પન્નીને પહતાય તો કેટોની

અસ્સલ સુરતી મિજાજ સાથેનું મસ્ત મજાનું હળવું ગીત
શબ્દ: રઇશ મણિયાર

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની

21મી સદીનું વર્ઝન ઓ ભાભી ......

રમેશ પટેલ(આકાશદીપ)ની કલમે

ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી
આ ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામાડાનાં ગોરી

જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી

ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

નદીની રેતમાં રમતું નગર...સુરતી વર્ઝન

નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.

અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.

પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.

બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.

ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ !
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.

ટને બી લૈ ડૂબે - એવાની આંગરી નીં પકડ!
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.

વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

કવિ : શ્રી આદિલ મંસૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

શબ્દ : બરકત વિરાણી 'બેફામ'
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : અવસર

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી.
એ શું કે રોજ તું જ કરે મારું પારખું,
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી.

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો,
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.