ચાની રંગત

Mara Friend Dhaval ji ne Cha bhu bhave che to amna mate chhe aa geet........

હું નગરચોકનો ચાવાળો, ટી-હાઉસનું પાટિયું ઝુલાવું
એવી ચા બનાવું કે હેરત પામે પીવાવાળો
ચાલો આજ સૌ ચાની રંગત માણો

કોઈક માગે કડકી-મીઠી, તો કોઈ માગે મોરસ વિનાની
કોઈ કહે સ્પેશીયલ લાવો, તો કોઈને ગમે ઈલાયચીવાળી
ચોકલેટ ટી ભૂલકાઓ માગે, મોટા માંગે ફૂદીનાવાળી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

કોઈ પીવડાવે ચૂંટણી જીતવા, તો કોઈ નાના મોટા કામે
કોઈ પીવડાવે ગામ ગપાટે, ને બાદશાહીની થાતી બોલબાલા
આજ ઘર હોય કે ઓફિસ, ચાની ફેશન નીકળી ભારી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

સવાર થાય ને સૌને સાંભરે, પ્રભાતિયાની જેમ
ના મળે તો ઝગડો જામે, જોવા જેવી થાય
આખા દિવસની રંગતની થઈ જતી હોળી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

ભેળા થાય ભાઈબંધો કે સાહેલીનાં ટોળાં,
મળી જાય મોંઘેરા મહેમાન કે આડોશી પાડોશી
એક મસાલેદાર ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો
ચાલો આજ સૈ ચાની રંગત માણો

કોઈ પીએ છે ઊંઘ ઉડાડવા, તો કોઈ તાજગી માટે
ચાના બંધાણીની ચા છે રાજરાણી રૂપાળી
મોંઘવારીના જમાનામાં અડધી ચા પણ દીઠી કમાલ કરતી
ભોજન ખર્ચ બચાવી જાણે, ઈજ્જત બક્ષે રસીલી
ચાલો આજ સૌ ચાની રંગત માણો

રમેશ પટેલ ‘આકાશદીપ’
કાવ્યસંગ્રહ સ્પંદનમાંથી સાભાર

માનો “ગરબો”

રે માના ગરબામાં કેમ પડ્યા કાણાં
જાણે ગોળીઓથી હૈયા વિંધાણાં….રે માના ગરબામાં

પહેલી ગોળીએ માની આરતી પિંખાણી’તી
ડીસ્કોના ઠેર ઠેર ગાણાં…
બીજી ગોળીએ મૂકી ભક્તિને હોડમાં ને
શકુનીએ નાખ્યાતાં દાણા….રે માના ગરબામાં

ત્રીજી ગોળીએ લીધાં શ્રધ્ધાના પ્રાણ
જુઓ ઉભા લઈ ઝેર બધે રાણા…
ચોથી ગોળીએ માના વાહન ચોરાયા
બધે બાઈકુનાં ફૂંકણાં ગંધાણાં….રે માના ગરબામાં

પાંચમીએ ખોલ્યાતાં બિયરના બાર
ક્યાંય ભાળોના પરસાદી ભાણાં….
છઠ્ઠીએ ગભરૂઓ છેતરાણી સાવ
પછી લાગણીના જાળાં ગુંચવાણાં….રે માના ગરબામાં

સાતમીએ તોડ્યાતાં સપ્તકનાં તાર
સૂર ઘોંઘાટી કાનમાં ઘોળાણાં….
આઠમી અડપલાંના રૂપે અથડાય
કેમ મૂંગા છે સમજુ ને શાણાં….રે માના ગરબામાં

નવમી નચાવતી’તી નફ્ફટીયા નાચ
બધે બેશરમી ટોળા ઉભરાણાં…
દસમી ગોળીએ હણ્યાં રામનાં રખોપા
જીવ સહુનાં પડીકડે બંધાણાં….રે માના ગરબામાં

ખેલૈયા ખેલંતા ખેલ ભાતભાતનાં ને
ભક્તો તો સાવ રે નિમાણાં…
માતાજી કરજે સંહાર તુ અસૂર તણો
ખાશું સૌ ગોળ અને ધાણાં….રે માના ગરબામાં

ડૉ.જગદીપ નાણાવટી