પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા


પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

છલકતી જોઇને મોસમ

સ્વર : મનહર ઉધાસ
શબ્દ : વિનય ઘાસવાલા
આલ્બમઃ અસ્મિતા

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

ઓછાં રે પડ્યાં


સ્વર: વિરાજ-બિજલ ઉપાધ્યાય
શબ્દ-સંગીત: અવિનાશ વ્યાસ

લાખ કરે ચાંદલિયો તોયે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તોયે ઊગી ન ઊગે પૂનમ રાત

ઓછાં રે પડ્યાં.. ઓછાં રે પડ્યાં…
પૂનમ તારાં અજવાળાં ઓછાં રે પડ્યાં.
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંય ના જડ્યા … પૂનમ તારાં

કોઇ થાતું રાજી ને કોઇ જાતું દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારાં જોને ઝગડ્યાં … પૂનમ તારાં

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારું અજવાળુ તોય મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂંટતાં ખુદ રે લૂંટાયા
કે જાવું’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા … પૂનમ તારાં

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે મારી પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધૂરો
કે હસતાં નયણાં એ જોને મોતીડાં મઢ્યા … પૂનમ તારાં