એમનો ચહેરો અરે!

એમનો ચહેરો અરે!
ફૂલ ત્યાં પાણી ભરે!

યાદ છે ત્યાં ખેતરે
એ પ્રસંગો સાંભરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

સ્વપ્ન છે કે શું અરે!
આજ એ મારા ઘરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

દ્રશ્ય ભીની ને સભર
ક્યાં ગઇ એ સાંજ રે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા


અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડૂબેલી નદીઓનાં નામ
તમે નદીઓના ડૂબેલાં ગાન

અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઊગતું જોયું ને તમે યાદ આવ્યાં