તને જોયા કરું છું

શબ્દઃ 'મરીઝ'
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અક્ષર

તને જોયા કરું છું પણ, મિલન મોકા નથી મળતા;
સિતમ છે સામે મંઝિલ છે, અને રસ્તા નથી મળતા.
તને જોયા કરું છું પણ....

નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ-પોષક છે;
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા.
તને જોયા કરું છું પણ.....

ભલા એવા જીવનમાં શું ફળે જીવનની ઇચ્છાઓ;
કે જ્યાં મરજી મુજબનાં નીંદમાં સ્વપનાં નથી મળતાં.
તને જોયા કરું છું પણ......

કરી શકતો નથી હું મારા મિત્રોની કદરદાની;
ફકત એ કારણે કે દુશ્મનો સાચા નથી મળતા.
તને જોયા કરું છું પણ......

'મરીઝ' અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી;
જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી મળતા.
તને જોયા કરું છું પણ......

ઊંચી મેડી તે મારા સંતની રે

રચના : નરસિંહ મહેતા

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
Nana hata tyare jaldi mota thva magta hata.
Pan Aje Smjayu k Tutela Sapna ane Adhuri LagnioKarta
Adhura Homework ane Tutela Ramakda Ghana Sara Hata....

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી.
એને મીનાકારીથી મઢાવ, ઓ વ્હાલમ વરણાગી....

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે,
ઘાઘરાની કોરમાં મોરલો ચીતરાવી દે;
હે મારા કમખામાં ભાત્યું પડાવ, ઓ વ્હાલમ વરણાગી.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી....

ઝીણી-ઝીણી પાંદડીની નથણી ઘડાવી દે,
ગુંથેલા કેશમાં દામણી સજાવી દે;
હે મારા ડોકની હાંસડી બનાવ, ઓ વ્હાલમ વરણાગી.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી....

સોના ઇંઢોણી તાંબા ગરબો કોરાવી દે,
ગરબામાં મમતાથી દીવડા પ્રગટાવી દે;
હે ઢોલ-ત્રાંસા શરણાઇ મંગાવ, ઓ વ્હાલમ વરણાગી.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી....

પ્રેમ એટલે કે...

શબ્દ:મુકુલ ચોક્સી
સ્વર:સોલી કાપડિયા
આલ્બમ:પ્રેમ એટલે કે...

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા
ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતાં જો લોહી નીકળે ને
ત્યાં જ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો…
ને તો ય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે ય શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.